SEARCH
Log in
મહાનુભાઓ
0

ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી

 

ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી (હિંદી: इंदिरा प्रियदर्शिनी गांधी ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી નહેરુ (19 નવેમ્બર 1917 – 31 ઑકટોબર 1984) એ 1966થી 1977 એમ સળંગ ત્રણ સત્ર સુધી અને 1980થી શરૂ થયેલા ચોથા સત્રમાં 1984માં તેમની હત્યા થઈ ત્યાં સુધી, એમ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન હતાં. તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીના એક માત્ર મહિલા વડાપ્રધાન હતાં.

રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી એવા નહેરુ કુટુંબમાં જન્મેલાં ઈન્દિરા રાજકીય રંગે રંગાયેલા વાતાવરણમાં ઉછર્યાં હતાં. એકસમાન અટક હોવા છતાં તેઓ મુત્સદ્દી મોહનદાસ ગાંધી સાથે કોઈ કૌટુંબિક સગપણ ધરાવતાં નહોતાં. તેમના દાદા, શ્રી મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા, જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. 1941માં ઑકસફર્ડથી ભારત પાછા ફર્યાં બાદ, ઈન્દિરા પણ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયાં હતાં.

ઓગણીસો પચાસના દાયકામાં પોતાના પિતાના ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકેના સત્ર દરમ્યાન તેમણે અનૌપચારિક ધોરણે તેમના અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી.1964માં તેમના પિતાના અવસાન બાદ, ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજયસભાના સદસ્ય તરીકે નિમણૂક આપી હતી અને તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટના મંત્રી બન્યા હતાં.

શાસ્ત્રીજીના અચાનક અવસાન બાદ ઈન્દિરાને વડાપ્રધાન બનાવવામાં ત્યારની કૉંગેસ પાર્ટીના પ્રમુખ કે. કામરાજનો મુખ્ય હાથ હતો. ઈન્દિરાએ થોડા જ વખતમાં ચૂંટણી જીતવાની અને લોકપ્રિયતાવાદના બળે દાવપેચ-યુકિતથી સામેવાળાને હરાવવાની ક્ષમતા બતાવવા માંડી હતી. તેમણે વધુ ડાબેરી આર્થિક નીતિઓ અમલમાં મૂકી હતી અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું. 1971માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક વિજય અને તે પછીના અસ્થિર સમયગાળાને લઈને તેમણે 1975માં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી; પણ આ સમયગાળામાં પોતાની સત્તાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમણે ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. 1980માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં, અને એ પછી તેઓ પંજાબના ભાગલા અંગે વધતા જતા સંઘર્ષમાં સતત ઊંડા ઊતરતાં ગયાં, જેનો અંત છેવટે 1984માં પોતાના જ અંગરક્ષકો દ્વારા તેમની હત્યામાં આવી.

પૂર્વ જીવન

ભારતમાં બાળપણ

19 નવેમ્બર 1917ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઈન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો. તે તેમનું એકમાત્ર સંતાન હતાં. નહેરુ કાશ્મીરી પંડિત હતાં. ઈન્દિરા નહેરુના દાદા, મોતીલાલ નહેરુ, ઉત્તર પ્રદેશના અલ્હાબાદના શ્રીમંત વકીલ હતા. ગાંધી પૂર્વેના સમયમાં મોતીલાલ નહેરુ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના સૌથી આગળ પડતા આગેવાનોમાંના એક હતા. તેઓ બ્રિટિશ તંત્ર સામે ભારતના ભવિષ્યના સરકારી તંત્ર અંગે લોકોની પસંદ દર્શાવતો નહેરુ અહેવાલ પણ લખવાના હતા. તેમના પિતા, જવાહરલાલ નહેરુ, ઉચ્ચશિક્ષણ પામેલા બૅરિસ્ટર હતા અને ભારતની સ્વતંત્રતા ચળવળના અત્યંત લોકપ્રિય નેતા હતા. ઈન્દિરાના જન્મ સમયે, નહેરુ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં પ્રવેશી ચૂકયા હતા.

માત્ર માતાની નિશ્રામાં ઉછરતાં અને તે પણ બીમાર અને નહેરુ ગૃહસ્થાશ્રમથી વિમુખ થતાં જતાં માતા પાસે રહેતાં ઈન્દિરામાં મજબૂત સંરક્ષણ વૃત્તિ અને એકલવાયું વ્યકિતત્વ આકાર લેવા માંડ્યું. પોતાની ઉંમરના મિત્રો-સહેલીઓ સાથે ભળવામાં પણ દાદા અને પિતાની રાષ્ટ્રીય રાજકારણમાં ગળાડૂબ સામેલગીરીથી અડચણ ઊભી થતી. વિજયાલક્ષ્મી પંડિત સહિતની પોતાની ફોઈઓ સાથે પણ તેમને બનતું નહોતું અને આ અણબનાવ રાજકીય વિશ્વમાં પણ ચાલુ રહ્યો હતો.

તેમના પિતાએ પોતાની આત્મકથા, ટુવર્ડ ફ્રીડમ(Toward Freedom) માં લખ્યું છે કે તેઓ જયારે જેલામં હતા ત્યારે અવારનવાર પોલીસ તેમના ઘેર જતી અને સરકારે તેમના પર નાખેલા દંડ વસૂલ કરવા માટે ઘરમાંથી રાચરચીલાંના ટુકડા લઈ જતી. તેમણે લખ્યું છે, “મારી ચાર વર્ષની દીકરી ઈન્દિરા આ સતત ચાલતી લૂંટથી અત્યંત નારાજ હતી અને તેણે પોતાની આ સખત નારાજગી પોલીસ સામે વિરોધ કરીને પ્રગટ પણ કરી હતી. તેના કુમળા મન પર પડેલી આ છાપો તે ભવિષ્યમાં પોલીસ દળને કેવી રીતે જોશે તે દષ્ટિને પણ મોટા ભાગે અસર કરશે તેવો મને ડર છે.”

ઈન્દિરાએ નાનાં છોકરા-છોકરીઓની એક વાનરસેના ઝુંબેશ ઊભી કરી હતી. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમનો નાનકડો પણ નોંધનીય હિસ્સો છે. તેઓ વિરોધ નોંધાવતા, ધ્વજ લઈને કૂચ કરતા તેમ જ કૉંગેસના રાજનેતાઓને સંવેદનશીલ અને પ્રતિબંધિત સામગ્રીઓ-પ્રકાશનો વિતરણ કરવામાં મદદ કરતા. તેનો એક બહુ જાણીતો કિસ્સો- પોતાના પિતાનું ઘર પોલીસની નજરબંદી હેઠળ હતું, ત્યારે ઈન્દિરા એક મહત્ત્વનો દસ્તાવેજ, જેમાં ત્રીસના દાયકાના પૂર્વાધમાં લેનારા એક મહત્ત્વના ક્રાંતિકારી પગલાંની રૂપરેખા હતી, પોતાના દફતરમાં છુપાવીને બહાર લઈ આવ્યાં હતાં.

યુરોપમાં ભણતર

1936માં આખરે લાંબા સંઘર્ષ પછી તેમનાં માતા, કમલા નહેરુ ક્ષયને શરણ થયાં. તે વખતે ઈન્દિરા 18 વર્ષનાં હતાં અને આમ તેમને કદી બાળપણમાં સ્થિર કૌટુંબિક જીવન નસીબ થયું નહીં. ત્રીસના દાયકાના ઉત્તરાર્ધમાં, સોમરવિલા કૉલેજ, ઓકસફર્ડ યુનિવર્સિટી, ઈંગ્લેન્ડમાં પોતાના અભ્યાસકાળ દરમ્યાન તેઓ લંડન સ્થિત, સ્વતંત્રતાની તરફેણ કરતા ક્રાંતિકારી ભારતીય લીગના સભ્ય બન્યાં.

1940ના પૂર્વાર્ધમાં, જૂના ફેફસાંના રોગમાંથી સાજા થવા માટે ઈન્દિરાએ સ્વિત્ઝરલેન્ડ ખાતે વિશ્રામઘરમાં સમય વીતાવ્યો. બાળપણની જેમ ત્યારે પણ તેમણે પોતાના પિતા સાથે લાંબા પત્રો થકી દૂરના અંતરનો સંબંધ સાચવી રાખ્યો. તેઓ તેમાં રાજકારણ અંગે ચર્ચા-દલીલ પણ કરતાં.

યુરોપ ખંડ અને ઈંગ્લેન્ડમાં તેમના આ સમય દરમ્યાન તેઓ રાજકારણમાં સક્રિય હોય તેવા એક પારસી યુવાન,ફિરોઝ ગાંધી (મોહનદાસ ગાંધી સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી)ને મળ્યાં. ભારત પાછા ફર્યા બાદ, ફિરોઝ ગાંધી નહેરુ પરિવારની, ખાસ કરીને ઈન્દિરાનાં માતા કમલા નહેરુ અને ઈન્દિરાની સમીપ આવતા ગયા. તેમણે માંદા કમલાની સેવા કરવામાં પણ હાથ જુટાવ્યો.

ફિરોઝ ગાંધી સાથે લગ્ન

ઈન્દિરા અને ફિરોઝ ગાંધી ભારત પાછાં ફર્યાં ત્યારે એકબીજાના પ્રેમમાં હતાં અને ડૉકટરોની સલાહ છતાં પરણવા માટે મક્કમ હતાંફિરોઝનું ખુલ્લાપણું, રમૂજી સ્વભાવ અને આત્મ-વિશ્વાસ ઈન્દિરાને ગમતાં હતાં. પોતાની દીકરી આટલી જલદી પરણી જાય તે બાબત નહેરુને પસંદ પડી નહીં અને તેમણે આ પ્રેમસંબંધ વારવા માટે મહાત્મા ગાંધીની મદદ માગી. પણ પ્રેમમાં પડેલાં ઈન્દિરા અણનમ રહ્યાં અને માર્ચ 1942માં હિંદુ વિધિ મુજબ તેમનાં લગ્ન સંપન્ન થયાં.

ફિરોઝ અને ઈન્દિરા બંને જણ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના સભ્ય હતાં, અને બંને જણે 1942ની ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જેમાં બંનેની ધરપકડ થઈ હતી.[૭] ભારત સ્વતંત્ર થયું તે પછી, ફિરોઝ ચૂંટણી લડ્યા હતા અને ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાઈને સંસદસભ્ય બન્યા હતા. રાજીવ ગાંધી અને સંજય ગાંધી એમ બે પુત્રોના જન્મ પછી કોઈક પારસ્પરિક સંઘર્ષના કારણે આ દંપતી 1958 સુધી એકબીજાથી અલગ રહેતું હતું. તેમની બીજી ચૂંટણીના થોડા સમય બાદ જ અચાનક ફિરોઝને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેના પરિણામે તેમનું ભાંગેલું લગ્નજીવન નાટકીય રીતે સંધાઈ ગયું. પણ સપ્ટેમ્બર 1960માં ફિરોઝનું અકાળે અવસાન થવાથી આ પ્રેમ લાંબા ગાળા સુધી ટકી ન શકયો.

નેતૃત્વની શરૂઆત

ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના પ્રમુખ

1959 અને 1960 દરમ્યાન ઈન્દિરા ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના પ્રમુખપદ માટેની ચૂંટણી લડ્યાં અને ચૂંટાયાં. પ્રમુખ તરીકેની તેમની અવધિમાં કોઈ વિશેષ બનાવ બન્યો નહીં. તેમણે પોતાના પિતાની કચેરીના અગ્ર સદસ્ય તરીકેની ભૂમિકા પણ નિભાવી. નહેરુનો સગાંવાદ માટેનો વિરોધ જાણીતો હતો અને તે મુજબ ઈન્દિરાએ 1962ની ચૂંટણીમાં ઉમેદવારી કરી નહીં.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન

27 મે 1964ના નહેરુનું અવસાન થયું અને નવા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની વિનવણીને માન આપીને ઈન્દિરા ચૂંટણી લડ્યા અને સરકારમાં જોડાયાં. તરત જ તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન નીમવામાં આવ્યાં. હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના મુદ્દે હિન્દી ન બોલતા તામિલનાડુ રાજયમાં ફાટી નીકળેલાં તોફાનો વખતે તેમણે મદ્રાસની મુલાકાત લીધી. તેઓએ ત્યાં સરકારી અધિકારીઓ સાથે વાત કરી, ત્યાંના સામાજિક નેતાઓના ક્રોધને શાંત પાડ્યો અને નુકસાન પામેલા વિસ્તારોમાં પુનઃબાંધકામની કામગીરીનું નીરિક્ષણ કર્યું.તેમની આ પહેલ જોઈને, પોતે આ પ્રકારનું પગલું ન લીધું હોવાથી શાસ્ત્રી કે અન્ય અનુભવી નેતાઓએ ક્ષોભ પામ્યા. મંત્રી ઈન્દિરાએ સંભવતઃ આ પગલું શાસ્ત્રી કે અન્ય અનુભવી નેતાઓને ક્ષોભિત કરવા માટે કે પોતાની રાજકીય ઉન્નતિ સાધવા માટે નહોતું લીધું. પોતાના મંત્રાલયના રોજબરોજના કામકાજમાં તેઓ પૂરતો રસ નહોતા લેતા એવું કહેવાય છે પરંતુ તેઓ સમાચાર-માધ્યમોની સારી જાણકારી ધરાવતાં હતાં અને રાજકારણ તેમ જ દઢ પ્રતિભા છોડી જવાની કળામાં દક્ષ હતાં.

“1965 પછી શ્રીમતી ઈન્દિરા અને તેમના શત્રુઓ વચ્ચેના સંઘર્ષમાં સફળતા હાંસલ કરવા માટે કેન્દ્રીય કૉંગ્રેસ(પાર્ટી)ના આગેવાનોએ કૉંગ્રેસ (પાર્ટી)ના રાજય સ્તરનાં સંગઠનોમાંથી ઉચ્ચ વર્ણના આગેવાનોને દૂર કર્યા અને તેમના સ્થાને પછાત જાતિઓના આગેવાનો નીમ્યા, અને વંચિતોના મત એકઠા કરવાના પ્રયત્નો શરૂ કર્યા જેથી રાજય સ્તરે કૉંગ્રેસ (પાર્ટી) અને વિપક્ષના શત્રુઓને હરાવી શકાય. આ હસ્તક્ષેપોના પરિણામે, જેમાંના કેટલાક તો સામાજિક રીતે કદાચ સુધારાવાદી લાગતા હતા, મોટા ભાગે સ્થાનિક આંતર-વંશીય સંઘર્ષો છેવટે વધ્યા હતા…

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ઈન્દિરા ગાંધી સરહદ નજીકના વિસ્તાર શ્રીનગરમાં રજાઓ માણી રહ્યાં હતાં. પાકિસ્તાની બળવાખોરો શહેરની ઘણી નજીક સુધી ઘૂસી બેઠા હોવાની લશ્કરની ચેતવણી છતાં, તેમણે જમ્મુ કે દિલ્હી જવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે સ્થાનિક સરકારની સામે રેલી કાઢી હતી અને સામે ચાલીને સમાચાર-માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. પાકિસ્તાનના હુમલાને ત્યારે સફળતાપૂર્વક ખાળી શકાયો હતો અને જાન્યુઆરી 1966માં તાશ્કંદમાં સોવિયેતની મધ્યસ્થીથી વડાપ્રધાન શાસ્ત્રીએ પાકિસ્તાનના અયુબ ખાન સાથે શાંતિ કરાર પર સહી કરી. અને તેના માત્ર થોડા જ કલાકો પછી, શાસ્ત્રીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

એ સમયે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના પ્રમુખ કે.કામરાજે, મોરારાજી દેસાઈના વિરોધ છતાં, ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. મોરારજી દેસાઈએ જો કે પાછળથી કૉંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના સદસ્યો સામે હાર માનવી પડી હતી, જયાં ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈના 169 સામે 355 મતથી સરસાઈ મેળવી તેમને પાછળ છોડી દીધાં હતાં અને ભારતના પાંચમા વડાપ્રધાન અને આ પદ શોભાવનાર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં હતાં.

 

 

 

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply