SEARCH
Log in
પશુ/પક્ષીઓ
0

કાગડો

કાગડો

કાગડો

કાગડો એ સામાન્ય રીતે આખા જગતમાં બધા જ વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે.કાગડો ઘર ઘરનો વાસી ગણાય. વેરાન વનમાં પણ માણસ ઝુપડું બાંધે કે તંબુ તાણે તો ત્યાં કાગડો કે કાગડાં પહોંચી જવાના. કાગડો કાળો કહીએ છીએ પણ એ સાવ કાળો નથી. સાવ કાળો કાગડો તે ગિરનારી કાગડો છે. આ કાગડાને તો આખી ડોક, પીઠનો ઉપલો ભાગ ને છાતી રાખોડી હોય છે. ને પેટ પણ ઘેરું રાખોડી હોય છે. બાકી પાંખો, પૂંછડી ને મોઢાનો આગલો ભાગ તથા ચાંચ ને પગ બધું જ કાળું ખરું. એનું કદ ચાંચથી પૂંછડી સુધીની લંબાઈ પુરા 18 ઇંચ એટલે 45 સેન્ટીમીટર દોઢ ફૂટ અથવા એક હાથ થાય. એ ઘરના ફળિયામાં, ઓશરી ને ઓરડામાં પણ બારીમાંથી આટો મારી જાય ખરો ને દુકાનોમાં પણ ખાવાનું કંઈક ખુલ્લું પડ્યું હોય તો ઝાપટે ખરો. એને બધું જ ખપે. માણસ જે કૈ ખાય છે તે બધું જ ખાવા ઉપરાંત માણસ ન જ ખાય, એવું બધું જ ઉંદર, ખિસ્કોલા, કાચંડા, મુડદાલ માંસ ને પંખીના ઈંડા ને બચ્ચા પણ ઉપાડી જાય છે. અવાજમાં ‘ કો કો કો ‘ કરે છે. એમ કોઈ વાર કોમળ અવાજ પણ ‘ હલુંક ‘ એવો કરે છે. આ શુદ્ધ ભારતીય કાગડો છે. પણ રંગના થોડા ફેરફાર સાથે એ અગ્નિ એશિયા સુધી ફેલાયેલો છે. રાતવાસો જે ઝાડ કે ઝાડીમાં કરે ત્યાં સેંકડો કાગડા કાળો કકળાટ કરી મુકે છે. ને એવા ઝાડ પર મોટા બાજ, ગરુડ કે ઘુવડ એનો શિકાર કરે છે. એક માત્ર કોયલ જ એવું પંખી છે કે જે કાગડાને છેતરીને એનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. કાગડાના માળામાં એ પોતાના ઈંડા મુકીને બચ્ચાં ઉછેરાવે છે. કાગડાની માળાની ઋતુ ચૈત્ર થી અષાઢ છે. ઝાડની બે ડાળીઓ ફૂટતી હોય તેના ખાંચમાં સાંઠીકડા, ઘાસ, ચીંથરા, ને લોઢાના તાર પણ વાપરે છે. મુંબઈમાં ચશ્માંની દુકાનમાંથી ચશ્માની સોનાની ફ્રેમ પણ ઊપાડી ગયાનો દાખલો છે. આ બધી વસ્તુનો મોટો ખાડાવાળો કોઈવાર મજબૂત તો ક્યારેક ઢીલો બાંધે છે. તે 4-5 ઈંડા લીલાશ પડતાં વાદળી મૂકે છે. કોઈવાર 6-7 પણ હોય. કોયલના ઈંડા પણ એવા જ હોય છે. તેના પગ નાના હોય છે. સવારમાં બધા ચણવા જાય ને સાંજે લાંબી હાર ઘર તરફ આવતી એક પછી એક દેખાય છે. કાગડાના કાળા રંગમાં જાંબલી, વાદળી ને લીલી ઝાંઈ ચળકતી દેખાયા કરે છે. ફક્ત ચહેરા પર નથી દેખાતી. ચાંચ લાંબી ને મજબૂત તેમજ જાડી હોય છે.

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply