SEARCH
Log in
મહાનુભાઓ
0

Jawaharlal Nehruજવાહરલાલ નેહરુ (14 નવેમ્બર 1889[૨] – 27 મે 1964) ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, વડાપ્રધાન તરીકે તેઓએ 1947થી 1964 સુધી સેવા આપી હતી. કૉંગ્રેસ પક્ષે ભારતની સ્વતંત્રતા ચળવળમાં આગળ પડતી ભૂમિકા નિભાવનાર નેહરુને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢયા હતા અને ત્યારબાદ કૉંગ્રેસ 1952માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જિતાઈ આવી હતી, ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાનપદે નિયુકત થયા હતા. નોન-અલાઈન્ડ ચળવળના સ્થાપકોમાંથી એક હોવા ઉપરાંત તેઓ યુદ્ધ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્ત્વની વ્યકિત રહ્યા હતા. ભારતમાં પંડિતજી (જી- આદરવાચક પ્રત્યય) અને બહાર પંડિત નેહરુ (“પંડિત”, સંસ્કૃત, “વિદ્વાન” માટે વપરાતો સન્માનદર્શક શબ્દ) તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. સમૃદ્ધ ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી, મોતીલાલ નેહરુના પુત્ર હોવાના નાતે નેહરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની ડાબી પાંખના નેતા બની ગયા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા, જે ધીમે ધીમે કૉંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા. ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં, તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યકિત રહ્યા હતા અને ધીમે ધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડ્યા હતા. ગરીબમાં ગરીબ દેશોનો કેટલાય લાંબા સમયથી ચાલ્યા આવતો આર્થિક વિકાસનો પડકાર હલ કરી શકાય તે માટે આજીવન ઉદારમતવાદી નેહરુ, ફેબિઅન સમાજવાદ અને જાહેર ક્ષેત્રના પણ હિમાયતી રહ્યા હતા. ભારત જયારે સ્વતંત્ર થયું ત્યારે 15 ઑગસ્ટ 1947ના નવી દિલ્હી ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એક માત્ર નેહરુને પ્રાપ્ત થયું હતું. નેહરુની સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા અને ઉદારમતવાદ તરફનું વલણ અને તેની સાથે સાથે ગરીબ અને વંચિતો માટેની ચિંતાને પરિણામે આજે પણ ભારત પર જેનો પ્રભાવ છે એવી નીતિઓ ઘડવા તેઓ પ્રેરાયા. તેમાં તેમનો વિશ્વ પ્રત્યેનો સમાજવાદી દષ્ટિકોણ પણ ડોકાતો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો.કયારેક તેમને “આધુનિક ભારતના શિલ્પી” તરીકે પણ સંબોધવામાં આવે છે. તેમનાં દીકરી, ઈન્દિરા ગાંધીએ, અને તેમના પૌત્ર, રાજીવ ગાંધીએ, પણ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

જીવનચરિત્રJawaharlal Nehru2

નેહરુનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ધ બૅરિસ્ટર મોતીલાલ નેહરુને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે, અત્યારે ઉત્તરપ્રદેશ રાજયમાં આવેલા અલ્હાબાદ શહેરમાં થયો હતો. નેહરુ કુટુંબ મૂળે કાશ્મીરી બ્રાહ્મણ હતું. ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નેહરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતાં અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની આગેવાનીમાં આકાર લેતી, એ વખતે અપરિપકવ એવી ભારતીય રાષ્ટ્રીય ચળવળના પણ સક્રિય સભ્ય હતા. નેહરુ અને તેમની બે બહેનો- વિજયાલક્ષ્મી અને ક્રિષ્ના-નો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો અને વિશેષ કરીને અંગ્રેજી રીતભાત અનુસાર થયો હતો, અને પાછળથી તેમને આવશ્યક ભારતીય રીતભાત શીખવવામાં આવી હતી. તેમને હિન્દી, સંસ્કૃત તથા ભારતીય સાહિત્ય પણ શીખવવામાં આવ્યું હતું.

પોતાનો દીકરો ભારતીય સરકારી નોકરી માટે યોગ્યતા પ્રાપ્ત કરે તેવી તેમની ઇચ્છા હતી એટલે તેમણે યોગ્ય સમયે યુવાન જવાહરલાલને ઈંગ્લૅન્ડના હૅરોમાં મોકલ્યા. જવાહરલાલનું મન દેખીતી રીતે હૅરો ખાતે ભણતરમાં ન લાગ્યું, તેમને શાળાનો અભ્યાસ કઠણ, ગૂંગળાવનારો અને ઘરથી દૂર, વિખૂટા પડી ગયાની લાગણી અસહ્ય લાગી. છતાં, શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી 1907માં નેહરુએ કેમ્બ્રિજ માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાન ભણવા માટે ટ્રિનિટી કૉલેજમાં ગયા. પોતાની કૅમ્બ્રિજની આ ટ્રાઈપૉસમાં જવાહરલાલ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયા અને 1910માં સ્નાતક થયા.યુનિવર્સિટીના પ્રખ્યાત ઉદાર વાતાવરણે તેમને અનેક અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બળ આપ્યું અને તેમના સામાન્ય બાહ્ય દેખાવ પર પણ તેનો મહત્ત્વનો પ્રભાવ રહ્યો. એ પછી ઑકટોબર 1910માં તેઓએ પોતાનો કાયદાનો અભ્યાસ આગળ વધારવા માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ માટે નામ નોંધાવ્યું. હૅરો ખાતે કેમ્બ્રિજ યુનિવસિર્ટીમાં અભ્યાસ કરવા જવાનો નિર્ણય પાછળ જવાહરલાલને કાયદાના અભ્યાસ માટેનું આકર્ષણ જવાબદાર નહોતું, એ માત્ર પિતાની આજ્ઞાનું પાલન હતું. 1912માં જવાહરલાલે પોતાની અંતિમ પરીક્ષા ઉત્તીર્ણ કરી અને એ વર્ષે પાછળથી તેમને ઈનર ટેમ્પલ ખાતેના બારમાં આમંત્રણ આપવામાં આવ્યું. થોડા જ વખતમાં તેઓ પોતાનો વકીલાતનો ધંધો જમાવવા માટે ભારત પાછા ફર્યા.

જો કે, થોડા જ વખતમાં તેઓ રાજકારણમાં, ખાસ કરીને કૉંગ્રેસની આગેવાની હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ડૂબી ગયા. 1919માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ વિરોધીઓની જે કત્લેઆમ કરી તેનાથી રોષે ભરાયેલા નેહરુ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ચળવળમાં જોડાઈ ગયા અને પોતાની બધી જ ઊર્જા તેમાં રેડવા માંડ્યા. શરૂઆતમાં જો કે પોતાના દીકરાના રાજકીય દષ્ટિકોણો બાબતે મોતીલાલને સંશય રહેતો પરંતુ પછી તેઓ પણ ભારતની સ્વતંત્રતા માટે કૉંગ્રેસે છેડેલા આ નવા પ્રયત્નોમાં જોડાઈ ગયા હતા.[૪] નેહરુએ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગાંધીજીના વિશ્વસનીય લેફટેનન્ટનું સ્થાન મેળવ્યું. તેમણે ઉપાડેલા વિરોધોના પરિણામે, અલબત્ત તે સંપૂર્ણ અહિંસક હતા, તેમણે પોતાના જીવન દરમ્યાન કુલ નવ વર્ષ જેલવાસ વેઠવો પડ્યો. પોતાના જેલવાસ દરમ્યાન નેહરુએ “ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી” (1934), પોતાની “આત્મકથા” (1936), અને “ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” (1946) લખ્યાં. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની વધતી જતી પ્રતિષ્ઠા ઉપરાંત આ પુસ્તકોએ તેમને એક ઉત્તમ લેખક તરીકેની નામના પણ રળી આપી. 1929માં પહેલી વાર, લાહોર સત્ર વખતે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ ફરીથી 1936, 1937, અને છેલ્લે 1946માં તેઓ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. 1946માં ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય પ્રતિષ્ઠા બીજા કોઈથી નહીં પણ માત્ર એક ગાંધીજીથી જ ઊતરતી માનવામાં આવતી એવા મુકામે તેઓ પહોંચ્યા હતા. ફેબ્રુઆરી 8, 1916માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મણ કમલા કૌલ સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરી હતી, ઈન્દિરા પ્રિયદર્શિની, જે પાછળથી ઈન્દિરા ગાંધી તરીકે જાણીતા બન્યા હતાં. કમલા નેહરુ પણ જાતે ભારતની સ્વતંત્રતા ચળવળના સક્રિય સહભાગી હતા, પરંતુ 1936માં તેઓ ક્ષયરોગથી અવસાન પામ્યા. ત્યારબાદ નેહરુએ બાકીનું જીવન એકલા જ વીતાવ્યું. જો કે, 1946થી તેમની સાથે એડવિના માઉન્ટબેટન, ભારતની વાઈસરાઈનનું નામ સાંકળતી અફવાઓ જરૂર સાંભળવા મળતી હતી. તેમના જીવનના ઉત્તરાર્ધમાં તેઓ ઘણા અંશે પોતાની દીકરી અને બહેન, વિજયાલક્ષ્મી પંડિત પર આધારિત રહ્યા હતા.

Jawaharlal Nehru1ભારતના પહેલા વડાપ્રધાન

બ્રિટિશ કૅબિનેટ મિશન સત્તા સોંપવા માટેના પોતાનો પ્રસ્તાવ લઈને આવી પહોંચી હોવાથી નેહરુ અને તેમના સાથીઓને છોડવામાં આવ્યા હતા. એકવાર ચૂંટાયા પછી, નેહરુએ વચગાળાની સરકારનું સુકાન સંભાળ્યું પણ ત્યારે ફાટી નીકળેલા હિંસક કોમી રમખાણો અને રાજકીય અવ્યવસ્થા તથા મહોમ્મદ અલી જિન્નાહની આગેવાનીમાં અલગ મુસ્લિમ રાષ્ટ્ર, પાકિસ્તાનની માગણી માટે વિરોધી દેખાવો કરતા મુસ્લિમ લીગને પરિણામે એ સરકાર પડી ભાંગી. મિશ્ર સરકાર રચવાના નિષ્ફળ પ્રયાસો બાદ, નેહરુએ અનિચ્છાએ બ્રિટિશરોએ 3 જૂન 1947ના બહાર પાડેલા આયોજન અનુસાર ભારતના ભાગલાને સમર્થન આપ્યું. તેમણે 15 ઑગસ્ટના ભારતના વડાપ્રધાન કચેરીનો હવાલો સંભાળયો અને “અ ટ્રાસ્ટ વિથ ડેસ્ટીની” શીર્ષક હેઠળ પોતાનું પહેલું વકતવ્ય આપ્યું: “અનેક વર્ષો અગાઉ આપણે નિયતિ સાથે બાથ ભરી હતી અને હવે એ સમય આવી ગયો છે કે જયારે આપણે આપણી પ્રતિજ્ઞા ફરીથી ઉદ્ઘોષિત કરવી જોઈએ, માત્ર પૂરેપૂરી કે સમગ્રપણે નહીં પણ એકદમ વાસ્તવિક રીતે. મધ્યરાત્રિના આ કલાકે, જયારે વિશ્વ આખું નિદ્રાધીન છે, ભારતમાં જીવન અને સ્વતંત્રતાની સવાર પડી છે. ઇતિહાસમાં આવી ક્ષણો આવે છે, પણ તે અતિદુર્લભ હોય છે, જયારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ, જયારે એક યુગનો અંત આવે છે અને જયારે એક રાષ્ટ્રનો પ્રાણ, જે લાંબા સમયથી દબાયેલો હતો તેને નવજીવન મળે છે. આ ક્ષણે આપણે વિધિપૂર્વક ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ છીએ.” જો કે, આ સમયગાળો તીવ્ર હિંસક કોમી રમખાણોથી ગ્રસ્ત રહ્યો. પંજાબનો વિસ્તાર, દિલ્હી, બંગાળ અને ભારતના અન્ય હિસ્સાઓમાં હિંસા છવાઈ ગઈ. શાંતિને પ્રોત્સાહન આપવા માટે અને ગુસ્સે ભરાયેલા અને જેમની ભ્રમણા ભાંગી ચૂકી છે તેવા શરણાર્થીઓને શાંત પાડવા માટે નેહરુએ પાકિસ્તાની નેતાઓ સાથે સંયુકત દૌરો(સંદર્ભ આપો) કર્યો હતો. મુસ્લિમોની સલામતી જળવાય અને તેઓ ભારતમાં રહેવા માટે પ્રોત્સાહિત થાય તે માટે તેમણે મૌલાના આઝાદ અને અન્ય મુસ્લિમ નેતાઓ સાથે કામ શરૂ કર્યું હતું. આ સમયગાળામાં થયેલા રમખાણોથી નેહરુ એટલી હદે વ્યથિત થયા હતા કે તેમણે યુદ્ધવિરામ(સંદર્ભ આપો)ની અને 1947નું ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવા માટે યુનાઈટેડ નેશન્સના હસ્તક્ષેપની માગણી કરી હતી. કોમી દાવાનળથી ડરીને, નેહરુ હૈદરાબાદ રાજયના ખાલસાને ટેકો આપવામાં પણ અચકાયા હતા. સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં, તેમની પોતાની અંગત કાળજી માટે અને તેમના અંગત કામકાજ સંભાળવા માટે તેઓ ઘણુખરું પોતાની પુત્રી ઈન્દિરા પર આધાર રાખતા થયા હતા. તેમના નેતૃત્વ હેઠળ 1952ની ચૂંટણીમાં કૉંગ્રેસ જબરજસ્ત બહુમતીથી વિજેતા થઈ હતી. ત્યારબાદ ઈન્દિરા પણ તેમને મદદ કરવા માટે નેહરુના ઔપચારિક રહેઠાણમાં સ્થળાંતરિત થઈ ગયા હતાં. ઈન્દિરા કોઈ ઔપચારિક પદ વિના તેમના પ્રધાન સહાયક અને ભારતભર અને વિશ્વના પ્રવાસોમાં તેમના કાયમી સંગિની બન્યાં હતાં

શિક્ષણ અને સામાજિક સુધારણા

ભવિષ્યમાં ભારતની પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે એવું માનતા જવાહરલાલ ભારતનાં બાળકો અને યુવાનોને શિક્ષણ મળવું જ જોઈએ તેના પ્રખર હિમાયતી હતા. તેમની સરકારના કાર્યકાળ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ માટેની અનેક ઈન્સ્ટિટ્યૂટોની સ્થાપના થઈ જેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ, ધ ઈન્સ્ટિટ્યૂટસ ઓફ ટૅકનોલોજી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટસ ઓફ મૅનેજમેન્ટનો સમાવેશ થાય છે. નેહરુએ તેમની પંચવર્ષીય યોજનામાં ભારતના દરેક બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળે તે માટેની પ્રતિબદ્ધતાની રૂપરેખા પણ રજૂ કરી હતી. આ હેતુ સર કરવા માટે, નેહરુએ સામુદાયિક ગ્રામ પ્રવેશ-નોંધણી કાર્યક્રમો અને હજારો શાળાઓના બાંધકામના કાર્ય પર દેખરેખ રાખી. અપોષણની સમસ્યા હલ કરવા માટે નેહરુએ બાળકોને મફત દૂધ અને ભોજન મળી રહે તેવી તે પ્રકારના પગલાં પણ લીધાં. પુખ્ત વયની વ્યકિતઓ માટે, વિશેષ કરીને ગ્રામ વિસ્તારમાં પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો, વ્યાવસાયિક તાલીમ અને તકનિકી શિક્ષણ શાળાઓ પણ ઊભી કરવામાં આવી હતી.

વોમેનનેહરુના નેતૃત્વ હેઠળ, ભારતીય સંસદે હિન્દુ કાયદામાં જાતિ/વર્ણ ભેદભાવોને ગુનાહિત ઠેરવતા તેમ જ મહિલાઓના કાનૂની અધિકારો અને સામાજિક સ્વાતંત્ર્ય વધારવા માટે અનેક ફેરફારો કર્યા. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોએ જે સામાજિક અસમાનતા અને ગેરફાયદાઓનો સામનો કરવો પડે છે તે નાબૂદ કરવા માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નેહરુએ બિનસાંપ્રદાયિકતા અને ધાર્મિક સંવાદિતાને પણ ટેકો આપ્યો હતો, અને પરિણામે સરકારમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ વધ્યું હતું.

રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી નીતિ

બ્રિટિશ સામ્રાજયમાંથી મુકિતના પ્રથમ વર્ષો દરમ્યાન, 1947થી 1964 સુધી નેહરુએ તાજેતરમાં સ્વતંત્ર થયેલા ભારતને નેતૃત્વ આપ્યું. શીત યુદ્ધના સમયગાળા દરમ્યાન, અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ) અને રશિયા (યુ.એસ.એસ.આર.) એમ બંને જણે ભારતને પોતાનું મિત્રરાષ્ટ્ર બનાવવા માટે હરીફાઈ આદરી હતી.

કાશ્મીરમાં યુનાઈટેડ નેશન્સના આશ્રયમાં સાર્વમત લેવા અંગે તેમણે 1948માં વચન આપ્યું હોવા છતાં, યુનાઈટેડ નેશન્સ તરફ તેમની સાવચેતી વધતી ગઈ અને 1953માં નેહરુએ સાર્વમત લેવાની ના પાડી દીધી. તેમણે કાશ્મીરી રાજકારણી શેખ અબ્દુલ્લાહની ધરપકડનો આદેશ આપ્યો, નેહરુ પહેલા તેમના ટેકેદાર હતા પરંતુ હવે તેમની ભાગલાવાદી મહત્ત્વકાંક્ષાઓ અંગે શંકા જતા તેમની ધરપકડ કરવામાં આવી અને તેમનું સ્થાન બક્ષી ગુલામ મહોમ્મદે લીધું. આંતરરાષ્ટ્રીય ફલક પર નેહરુ શાંતિવાદ અને યુનાઈટેડ નેશન્સના પ્રખર ટેકેદાર હતા. તેમણે બિન-જોડાણ નીતિનો પાયો નાખ્યો હતો અને અમેરિકા અને રશિયાની આગેવાનીમાં શત્રુ રાષ્ટ્રો વચ્ચે તટસ્થતાની તરફેણ કરતા બિન-જોડાણ અભિયાનના સહ-સ્થાપક રહ્યા હતા. ચીનમાં સામ્યવાદી પ્રજાસત્તાક રાજય સ્થપાયું તેના થોડા જ સમયમાં સામ્યવાદી પ્રજાસત્તાક ચીનની નોંધ લઈને નેહરુએ યુનાઈટેડ નેશન્સમાં તેના સમાવેશ તરફી દલીલ કરી હતી (જયારે મોટા ભાગના પશ્ચિમના રાષ્ટ્રસંઘોએ લોકશાહી પ્રજાસત્તાક ચીન સાથે સંબંધો બનાવી રાખ્યા હતા) અને તેના કોરિયા સાથેના સંઘર્ષમાં ચીનને આક્રમણખોર તરીકે ખપાવી દેવાનો ઈનકાર કર્યો હતો. 1950માં તિબેટના અતિક્રમણ પછી પણ તેમણે ચીન સાથે હૂંફાળા અને મિત્રતાભર્યા સંબંધો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સામ્યવાદી રાષ્ટ્રો અને પશ્ચિમના રાષ્ટ્રસંઘ વચ્ચેની ખાઈ અને તણાવો પુરવા માટે એક સેતુરૂપ મધ્યસ્થી બનવાની આશા રાખી હતી. જો કે જયારે 1962માં ચીને તિબેટને કાશ્મીર સાથે જોડતા વિસ્તાર અકસાઈ ચીન પર કબજો કર્યો ત્યારે શાંતિવાદની આ નીતિ અને ચીનના સંદર્ભે તેમના ખુશામતભર્યા વલણનો છેવટે અંત આવ્યો હતો અને ભારત-ચીન યુદ્ધ જાહેર થયું હતું. વૈશ્વિક તણાવો અને અણુશસ્ત્રોના ભય ઘટાડવાની દિશામાં તેમણે ઉપાડેલા કામ માટે ઘણાએ નેહરુનું અભિવાદન કર્યું હતું. આણ્વિક વિસ્ફોટોની મનુષ્યો પર અસર બાબતે તેમણે સૌથી પહેલવહેલો અભ્યાસનો આરંભ કરાવ્યો હતો, અને પોતે જેને “વિનાશના ભયાનક એન્જિનો” કહેતાં હતા તે અણુવિસ્ફોટની નાબૂદી માટે તે અવિરત મથ્યા કરતા હતા.અણુશકિત-વિનાશ પ્રોત્સાહન આપવા પાછળ તેમના કેટલાંક વ્યવહારિક કારણો પણ હતાં, જેમ કે અણુશસ્ત્રો પાછળની આ દોડ વધુ પડતી લશ્કરી ક્ષમતા પર ભાર મૂકશે, કે જે તેમના જેવા વિકાસશીલ દેશોને પોસાશે નહીં 1956માં બ્રિટિશ, ફ્રેન્ચ અને ઈઝરાયેલીઓએ કરેલા સુએઝ નહેરના સંયુકત અતિક્રમણને તેમને વખોડી કાઢ્યું હતું. શંકા અને અવિશ્વાસને કારણે તથા નેહરુ ગર્ભિતપણે રશિયા (સોવિયેત યુનિયન)ને ટેકો આપે છે એવી અમેરિકાની શંકાને પરિણામે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઠંડા રહ્યા હતા. પંજાબ પ્રાંતની મુખ્ય નદીઓના જળસ્રોતને વહેંચવાના મુદ્દે ચાલ્યા આવતા દીર્ઘકાલીન ઝઘડાને ઉકેલવા માટે 1960માં નેહરુએ પાકિસ્તાની શાસક અયુબ ખાન સાથે યુનાઈટેડ કિંગડ્મ અને વર્લ્ડ બેન્કને લવાદ તરીકે રાખીને સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા.

અંતિમ વર્ષો

1957ની ચૂંટણીઓમાં નેહરુએ કૉંગ્રેસને મહત્ત્વની જીત મેળવી આપી હોવા છતાં, તેમની સરકારે ઘણા ઉગતા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પક્ષના આંતરિક ભ્રષ્ટાચાર અને કજિયાઓનો ભ્રમ ભાંગ્યા પછી, નેહરુએ રાજીનામું આપવા વિચાર્યું હતું પરંતુ પછી પોતાની સેવા આપવી ચાલુ રાખી હતી. 1959માં કૉંગ્રેસ પ્રમુખ તરીકે પોતાની પુત્રી ઈન્દિરા ચૂંટાઈ આવતા તેમણે સગાંવાદના આક્ષેપો/ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો(સંદર્ભ આપો), જો કે નેહરુ પોતે તેમની વરણીને નાપસંદ કરતા હતા, કારણ કે અમુક અંશે તેઓ તેને “રાજવંશવાદ”નું ચિહ્ન ગણતા હતા; તેમના શબ્દો, એ ખરેખર “સંપૂર્ણ રીતે બિનલોકશાહી અને અનિચ્છનીય બાબત” હતી, વધુમાં તેમણે તેમને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો[૧૫]. ઈન્દિરા જાતે પણ પોતાના પિતા સાથે નીતિ વિષયક મતભેદો ધરાવતાં હતાં; જેમાં નેહરુએ કૉંગ્રેસની કાર્યકારી સમિતિ પ્રત્યેના પોતાની અંગત અદબના કારણે પોતાના વિરોધ છતાં કેરળ રાજયની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાની સરકારની બરતરફી થવા દીધી તે મતભેદ સૌથી નોંધપાત્ર હતો. ઈન્દિરાની કઠોરતા અને સંસદની પરંપરા પ્રત્યેની ઉપેક્ષાથી નેહરુ વારંવાર ક્ષોભિત થવા માંડ્યા, અને તેમની આ વર્તણૂક માત્ર પિતાથી અલગ વ્યકિતત્વ સાબિત કરવા માટે જ છે એ રીતે જોઈને “દુભાયા” પણ હતા

તિબેટ મુદ્દે, 1954ની ભારત-ચીન સંધિનો મુખ્ય પાયો પંચશીલ (શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટેના પાંચ સિદ્ધાન્તો) હતો, પાછળનાં વર્ષોમાં, ચીન સાથે વધતી સરહદી દુશ્મનાવટ અને દલાઈ લામાને રાજયાશ્રયઆપવાના તેમના નિર્ણયને પરિણામે નેહરુની વિદેશ નીતિ ઘણી ટીકાનું કારણ બની હતી. અનેક વર્ષોની નિષ્ફળ વાટાઘાટો પછી, 1961માં નેહરુએ ભારતીય લશ્કરને પોર્ટુગલ પાસેથી ગોવા મેળવવા માટે આક્રમણ કરવાની મંજૂરી આપી હતી. જુઓ ગોવાની મુકિત. એક તરફ તેમની લોકપ્રિયતા વધતી જતી હતી, છતાં લશ્કરી પગલાંની પસંદગી માટે નેહરુએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

1962ની ચૂંટણીઓમાં, નેહરુએ કૉંગેસને જીત તો અપાવી પરંતુ પ્રમાણમાં ઘટતી જતી બહુમતીથી. જમણેરી ભારતીય જન સંઘ અને સ્વતંત્રતા પાર્ટીથી માંડીને સમાજવાદીઓ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા એમ વિરોધપક્ષોએ સારો દેખાવ કર્યો હતો.

તે પછીના થોડાક જ મહિનાઓમાં, ચીન સાથેનો સરહદી વિવાદ ખુલ્લા સંઘર્ષમાં પરિણમ્યો. બંને જણ, ગુલામ પ્રથાના શિકાર રહી ચૂકયા હોવાથી (ભારત પણ એક વસાહત માત્ર હતું), નેહરુએ ધારણ કર્યું કે બંને એકબીજા પ્રત્યે સહાનુભૂતિની લાગણી ધરાવે છે, જે “હિન્દી-ચીની ભાઈ ભાઈ” (ભારતીયો અને ચીની ભાઈઓ છે) શબ્દસમૂહમાં વ્યકત થાય છે. વિકાસશીલ દેશો વચ્ચે ભાઈચારા અને સહાનુભૂતિના આદર્શો તેમના મનમાં વસેલા હતા અને તેઓ તેની તરફ સંપૂર્ણ સમર્પિત હતા. નેહરુએ અત્યંત ભોળાભાવે માની લીધું કે એક સમાજવાદી સાથી દેશ બીજા પર આક્રમણ કરે નહીં, અને ગમે તેવા સંજોગોમાં, હિમાલયની બરફની અભેદ્ય દીવાલ પાછળ તેમને સલામતી અનુભવાતી હતી. આ બંને બાબતો ચીનના ઇરાદા અને લશ્કરી સક્ષમતા અંગે ખૂબ ભૂલભરેલી ગણતરી સાબિત થઈ. ચીને પચાવી પાડેલા વિવાદગ્રસ્ત વિસ્તારો માટે ચીનને પડકારવાના – ભારતીય લશ્કરને તેમણે આપેલા યાદગાર આદેશ “તેમને (ચીનાઓને) બહાર ફેંકી દો”ના – તેમના ઈરાદાની જાણ થતા, ચીને પણ સામો ભયંકર હુમલો શરૂ કર્યો.

જાહેર જનતાના દર્શન માટે નેહરુનું અંતિમ દર્શન, 1964

ગણતરીના દિવસોમાં, ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ચીનના અતિક્રમણથી ભારતની લશ્કરી નબળાઈ છતી થઈ ગઈ, ચીનનું લશ્કર છેક આસામ સુધી પહોંચી ગયું હતું. દેશના સંરક્ષણ પ્રત્યે અપૂરતા ધ્યાન અંગે તેમની સરકારની વ્યાપકપણે ટીકા થઈ, અને નેહરુને દેશના સંરક્ષણ પ્રધાન ક્રિષ્ના મેનનને બરતરફ કરવાની અને યુ.એસ. લશ્કરની મદદ યાચવાની ફરજ પડી. આ તરફ નેહરુનું સ્વાસ્થ્ય એકધારું બગડતું ચાલ્યું, અને તેમણે 1963ના ઘણા મહિના સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કાશ્મીરમાં ગાળવા પડ્યા. કેટલાક ઇતિહાસવિદેએ આટલી નાટકીય ઢબે તેમનું સ્વાસ્થ્ય કથળવા પાછળ ચીને ભારત પર આક્રમણ કર્યું, એ બાબતનો આઘાત અને સંતાપ તથા વિશ્વાસઘાતની લાગણી જવાબદાર ગણાવી હતી. 1964ના મે મહિનામાં કાશ્મીરથી પાછા ફર્યા બાદ, નેહરુને એક સ્ટ્રોક (રકતજ મૂર્છા) અને પાછળથી હૃદયરોગનો હુમલો આવ્યા હતા. 27 મે 1964ના વહેલી સવારે તેમનું અવસાન થયું. દિલ્હીની ગલીઓ અને રસ્તા પર તેમ જ અંતિમ સંસ્કારના સ્થળ પર ઉમટી પડેલા હજારોના હજારો શોકગ્રસ્ત લોકોની હાજરીમાં યમુના નદીના કિનારે શાંતિવનમાં હિંદુ વિધિ મુજબ નેહરુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’

જવાહરલાલ નેહરુએ આજીવન ભારતમાં એક દષ્ટાંતરૂપ સ્થાન ભોગવ્યું હતું અને વિશ્વભરમાં પણ પોતાના આદર્શવાદ અને મુત્સદ્દીપણા માટે વ્યાપક રીતે પ્રશંસાપાત્ર રહ્યા હતા. જીવનભર તેમણે આદરેલા બાળકો અને યુવાનોના કલ્યાણ, શિક્ષણ અને વિકાસનાં કાર્યો તેમ જ ઉત્કટ પ્રેમની યાદમાં ભારતમાં તેમનો જન્મદિવસ, 14 નવેમ્બર, બાળદિન તરીકે ઉજવાય છે. ભારતભરમાં બાળકો તેમને ચાચા નેહરુ તરીકે યાદ કરે છે. નેહરુ કૉંગ્રેસની એક લોકપ્રિય છબિ પણ છે, જેની સ્મૃતિને પક્ષ વારંવાર ઉજવ્યા કરે છે. કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની પહેરવેશની શૈલીનું, ખાસ કરીને ગાંધી ટોપી અને તેમની રીતભાતનું ઘણીવાર અનુકરણ કરતા જોવા મળે છે. નેહરુના આદર્શો અને નીતિઓ આજે પણ કૉંગ્રેસ પાર્ટીના મૅનિફૅસ્ટો (કાર્યનીતિને લગતું જાહેરનામું) અને તેના હાર્દરૂપ રાજકીય ફિલસૂફીને આકાર આપે છે. તેમની પુત્રી ઈન્દિરાને કૉંગ્રેસ પક્ષ અને રાષ્ટ્રીય સરકારની આગેવાની લેવામાં તેમના વારસ હોવાનું ભાવનાત્મક જોડાણ ઘણા અંશે નિમિત્ત રહ્યું હતું.

નેહરુના જીવન પર અનેક દસ્તાવેજી ચિત્રો બન્યાં છે. તેમને ફિલ્મોમાં કાલ્પનિક પાત્ર તરીકે પણ ચિતરવામાં આવ્યા છે. તેમની ભૂમિકા ત્રણ વખત નિભાવનાર રોશન શેઠના અભિનયને કદાચ પ્રમાણભૂત માની શકાયઃ તેમણે રિચાર્ડ એટનબર્ગની 1982ની ફિલ્મ ગાંધી માં, નેહરુના ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા પુસ્તક આધારિત શ્યામ બેનેગલની 1988ની ટેલિવિઝન શ્રેણી ભારત એક ખોજ માં, અને ધ લાસ્ટ ડેઝ ઓફ રાજ નામની 2007ની ટેલિવિઝન ફિલ્મમાં નેહરુની ભૂમિકા ભજવી છે. કેતન મહેતાની ફિલ્મ સરદાર માં નેહરુની ભૂમિકા બેન્જામિન ગિલાનીએ ભજવી હતી. અંગત રીતે નેહરુને શેરવાની પહેરવાનું પસંદ હતું, અને આજે પણ ઉત્તર ભારતમાં તેને ઔપચારિક પહેરવેશ ગણવામાં આવે છે; તેમની ખાસ પ્રકારની ટોપીને તેમનું નામ આપવા ઉપરાંત અમુક પ્રકારના જૅકેટ માટેની તેમની પસંદના માનમાં એ જૅકેટને પણ નેહરુ જૅકેટ નામ આપવામાં આવ્યું છે.

નેહરુની સ્મૃતિમાં ભારતભરમાં અનેક જાહેર સંસ્થાઓ/ઈન્સ્ટિટ્યૂટો અને સ્મારકો નેહરુના નામે કરવામાં આવ્યા છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે. મુંબઈ નજીકનું જવાહરલાલ નેહરુ બંદર એક આધુનિક બંદર અને ગોદી છે જે ખૂબ મોટા કાર્ગો (માલસામન) અને વહાણોની સારી એવી અવરજવર માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. દિલ્હીનું નેહરુનું રહેઠાણ હવે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય તરીકે જાળવવામાં આવ્યું છે. આનંદભવન અને સ્વરાજભવન ખાતેના નેહરુ પરિવારનાં ઘરોને પણ નેહરુ અને તેમના પરિવારના વારસાના સ્મારક રૂપે જાળવવામાં આવ્યાં છે. અમેરિકન ફ્રેન્ડઝ સર્વિસ કમિટિ (AFSC) દ્વારા 1951માં તેમને નોબલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

Share:
  • googleplus
  • linkedin
  • tumblr
  • rss
  • pinterest
  • mail

Written by admin

There are 0 comments

Leave a comment

Want to express your opinion?
Leave a reply!

Leave a Reply